Posts Tagged વિચાર

વિચાર -16

નવરાત્રિ

નવરાત્રિના દિવસો આવતાં નાનપણમાં નર્યા નરવા-ગરવા સાદે કોઈ વાદ્યના સહારા વિના સાંભળેલા –માણેલા ગરબા યાદ આવે છે. ઉતારા માટે ઓરડા, દાતણ માટે પિત્તળ લોટા અને દાડમીનું દાતણ, નાવણ માટે તાંબાકુંડી, જમવા માટે સેવ-સુંવાળીને લાપસી, પોઢણ માટે સાગ-સીસમના ઢોલિયા, ને રમવા માટે સાવ સોનાનાં સોગઠાં; માને આંગણે નોતરવા માટે વર્ણવાતો આ સાદો વૈભવ આજે ક્યાં છે ? થોડાં વર્ષો પછી એ કદાચ શબ્દોમાં પણ નહીં રહે.

લોકકવિ કે કવિયિત્રીની કુટુંબજીવનની સુંદર એવી હૈયે ફુટેલી ઉપમાઓ; સસરો મારા દેરાસરખા દેવ જો, સાસુજી દેરાકેરી પૂતળી; જેઠ મારા અષાઢીલા મેઘ જો, જેઠાણી ઝબુકે વાદળ-વીજળી; દિયર મારો ચંપલિયાનો છોડ જો, દેરાણી ચંપલિયા કેરી ડાળખી; નણંદ મારી વાડીમાંની વેલ જો, નણદોઈ જો વાડી કેરો વાંદરો;(પજવણી કરી હશે કે શું?) અને પોતાનું દાંમ્પત્યજીવન કેવુ રસભર્યું ! પરણ્યો મારો રસીલો ભરથાર જો, ગોરીને પહેરાવે નવરંગ ચુંદડી; શેરીમાં કુટુંબીજનોની હાજરીમાં આવાં ગીતો ગવાય ને કૌટુંબિક જીવનની સુખદ ક્ષણો વધતી જાય.

માતાજીને ચરણે કુંભાર, માળી, સોની, મોચી, મણિયારો, દોશી, ગાંધી, સુથાર, બધા પોતાનો સામાન અને પોતાની આવડત ધરે તે ગવાય.

માતાજીના  ત્રિભુવનમોહન સૌંદર્ય અને શણગારનું વર્ણન પણ ગવાય. કેવી રીતે મા અસુરોનો સંહાર અને ભક્તોનું રક્ષણ કરે છે તે પણ ભાવ અને ભક્તિથી ગવાય. ટુંકમાં સાંસારિક જીવન અને ભક્તિ બંનેના સુભગ માધુર્યના ઉછાળનું દર્શન એટલે નવરાત્રિ.

વર્ષા શાહ

Advertisements

Comments (7)

વિચાર- 15

એક ખેડુત ખુબ ઉત્તમ પ્રકારની મકાઈ પકવતો હતો. એની પકવેલી મકાઈને દર વર્ષે રાજ્યની કૃષિસ્પર્ધામાં ઈનામ મળતું. એક વર્ષે એક અખબારના રિપોર્ટરે એની મુલાકાત લીધી. રિપોર્ટરે જોયું કે એ ખેડુત પોતાનું ઉત્તમ બિયારણ પોતાના આજુબાજુના ખેડુતોને વહેંચી રહ્યો હતો. “તમે આમ કેવી રીતે કરી શકો છો ? એ લોકો દર વર્ષે તમારી મકાઈ સામે એમની મકાઈ સ્પર્ધામાં મુકે છે.” રીપોર્ટરે પુછ્યું. ખેડુતે જવાબ આપ્યો, “તમને ખબર નથી?  પવન પાકી રહેલા મકાઈ ઉપરથી પરાગરજ ઉડાડે છે અને ખેતરે ખેતરે તે પાથરે છે અગર મારા પડોશીએ હલકી કે ઉતરતી કક્ષાના મકાઈ ઉગાડ્યા હશે તો મિશ્ર ફલીનીકરણથી ધીરેધીરે મારા પાકની ગુણવત્તા ઉતરતી કક્ષાની થવા માંડશે  જો મારે શ્રેષ્ઠ મકાઈ પકવવા હોય તો મારા પડોશીને પણ શ્રેષ્ઠ મકાઈ પકવવામાં મદદ કરવી જોઈએ.”

સફળતા એકલ હાથની નહીં પણ ભાગીદારીની અને સામૂહિક પ્રક્રિયા હોવી ઘટે. તેથી તમારા અનુભવો, વિચારો અને જ્ઞાનને તમારા મિત્રો અને સાથીદારો સાથે વહેંચો.

વર્ષા શાહ

Comments (7)

વિચાર– 14

બે મિત્રો એક રણમાંથી પસાર થઈ રહ્યા હતા. મુસાફરી દરમ્યાન એકવાર એમની વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ ગઈ અને એક મિત્રે બીજા મિત્રને લાફો મારી દીધો. જેણે લાફો ખાધો તેને ઊંડુ દુઃખ થયું પણ એણે કશું બોલ્યા વગર રેતીમાં લખ્યું, “આજે મારા પરમ મિત્રે મને મોં પર તમાચો માર્યો .” તેઓ ચાલતા ચાલતા એક રણદ્વીપ પાસે આવી ગયા ત્યાં બન્નેએ નહાવાનુ નક્કી કર્યુ. નહાતાં નહાતાં જેણે લાફો ખાધો હતો એ દોસ્ત કળણમાં ફસાઈ ગયો અને ખેંચાવા લાગ્યો પણ તેના મિત્રે તેને ખેંચી લઈને બચાવી લીધો. સ્વસ્થ થયા પછી આ મિત્રે એક પથ્થર પર લખ્યું, “આજે મારા પરમ મિત્રે મારી જિંદગી બચાવી લીધી.” જેણે તેને બચાવ્યો હતો તે મિત્રે પુછ્યું, “મેં તને દુઃખી કર્યો ત્યારે તેં રેતી પર લખ્યું પણ અત્યારે તેં પથ્થર પર લખ્યું, એમ કેમ ?” પેલા મિત્રે જવાબ આપ્યો, “જ્યારે આપણને કોઈ દુઃખ પહોંચાડે ત્યારે આપણે તેને રેત પર લખવું જેથી ક્ષમાશીલતાનો વાયરો તેને ભૂંસી શકે પણ કોઈ જ્યારે આપણું કશુંક ભલું કરે ત્યારે આપણે તેને પથ્થર પર કોતરી લેવું જોઈએ જ્યાં કોઈ પવન એને ભૂંસી શકે નહીં”

અર્થાત તમારી દુઃખદ ઘટનાઓને રેતી પર લખતા જાવ અને તમારી સુખદ પળોને પથ્થર પર કોતરતા જાવ.

જીવનમાં એકાદ વખત પણ આ સોનેરી સૂત્રનો અમલ થાય તો એ લાભદાયી પુરવાર થતો હોય છે. ક્મસે કમ પોતાની જાતને તો જરૂર એ ઉપકારક નીવડે છે. પણ ખાટલે મોટી ખોડ જ એ છે કે આ સૂત્રનો અમલ કરવો અને તે પણ સહજતાથી, સરળતાથી કે સ્વાભાવિકતાથી એ તો દુષ્કર જ છે.

વર્ષા શાહ

Comments (6)

વિચાર- 12

એક એંજિનીયરનું મ્રુત્યુ થયું. મર્યા પછી સ્વર્ગના મોતીમઢેલા દ્વારે એ પહોંચ્યો. સ્વર્ગના વહીવટદારે એનું ખાતું જોયું અને કહ્યું, “ઓહ ! તું ખોટી જગાએ આવ્યો છું.” તેથી એંજિનીયર નરકના દ્વારે પહોંચ્યો, અંદર પ્રવેશ્યો. ઠીક છે ! પણ નરકની સુવિધાઓની કક્ષાથી એને અસંતોષ હતો. એણે તો ડીઝાઈનીંગ શરુ કરી સુધારા કરવા માંડ્યા. થોડા સમયમાં જ નરકવાસીઓને એરકંડીશન, એસ્કેલટર્સ અને બીજાં અનેક આધુનિક ઉપકરણોની સુવિધાઓ પ્રાપ્ત થઈ ગઈ. એજિનીયર તો સૌનો પ્રિયપાત્ર બની ગયો. એક દિવસ ઈશ્વરે શેતાનને બોલાવ્યો અને પુછ્યું. “કેમ ? નરકમાં શું ચાલે છે ?” શેતાને જવાબ આપ્યો, “અરે ! ત્યાં તો અદભુત ઘટનાઓ ઘટી રહી છે. અમને તો એરકંડીશન અને એસ્કેલેટર્સ મળી ગયાં છે. અને હવે આ એંજિનીયર કઈ કમાલની ચીજ બનાવશે કહી નથી શકતો.” ઈશ્વરે જવાબ આપ્યો, “શું તમને એંજિનીયર મળી ગયો છે ? એ તો ભુલથી બન્યું છે તેણે ત્યાં ક્યારેય નહોતું જવાનુ એને અહીં ઉપર મોકલી આપ.” શેતાને કહ્યું, “એ ના બને મારે સ્ટાફમાં એક એંજિનીયર જોઈએ જ જોઈએ અને હું તેને રાખવાનો જ.” ઈશ્વરે કહ્યું, “એને અહીં મોકલી દે નહી તો હું તારા પર દાવો માંડીશ.” શેતાને અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો, “ તે તો ઠીક ! પણ તમે વકીલ ક્યાંથી લાવવાના ?”

એન્જિનીયર કે વકીલ સ્વર્ગમાં જાય કે નરકમાં એ વિચાર આવે તે પહેલાં ભગવાનને કહેવાનું મન થાય છે કે ભગવાન તેં જે નમુનેદાર સર્જન કર્યુ એ સર્જને તને પણ પોતાના ટોળામાંનો એક ગણી લીધો.

વર્ષા શાહ

Comments (7)

વિચાર-11

ધર્માચાર્યોનું એક જૂથ મળીને બેઠું હતું અને સ્મશાનયાત્રામાં કેવી રીતે ભાગ લેવો તેની ચર્ચા કરતું હતું. તેમનામાના એકે સવાલ કર્યો, “સ્મશાનયાત્રામાં ચાલતી વેળા નનામીની ડાબી બાજુ ચાલવું જોઈએ કે જમણી બાજુ ? ” બે બાજુના મતો પડ્યા. તેઓમાના અડધા કહે કે અમે તો જમણી બાજુ ચાલવામાં માનીએ છીએ તો બીજા અડધા કહે કે અમે ડાબી બાજુ ચાલવામાં માનીએ છીએ. આ મામલાની ચર્ચા લાંબા સમય સુધી ચાલી. છેવટે આ બાબતનો કોઈ નિવેડો ન આવતા તેઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને તેમનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. મુલ્લાએ ધ્યાનપૂર્વક બધું સાંભળ્યું, ઘણો વિચાર કરીને કહ્યું- “નનામીમાં જો તમે નથી તો આ બાબતનું શું મહત્વ છે ? ”

મુલ્લાનો જવાબ રમૂજ પ્રેરે તેવો તો છે જ. કોયડા જેવો પણ છે. ઉકેલ માગવા આવેલાઓએ શું વિચાર્યું હશે કોને ખબર ! નનામીમાં પોઢેલાને કોઈ તેની ડાબે કે જમણે ચાલે તેની શું અસર થવાની ?

વિચારવાનું એ છે કે જે બાબતમાં ગંભીરતાથી વિચારવાનું છે ત્યાં માણસો કેવા નિરર્થક પ્રશ્નો વચ્ચે લાવી ખોટી ચર્ચાઓ જગવે છે બલ્કે ગજવે છે !

સામાજિક જીવનમાં અને આધ્યાત્મિક ને ધાર્મિક બાબતોમાં આવા નિરર્થક લાગતા પ્રશ્નો ચર્ચાતા રહે તો માનસિક તંદુરસ્તી ઉંચા સ્તરની ના ગણાય.

વર્ષા શાહ

Comments (6)

વિચાર- 10

‘एकांते सुखमास्यतां’

–કવિવર રવિન્દ્રનાથ ટાગોર એકાંતસેવન માટેનો એમનો વિચાર એક પત્રમાં વ્યક્ત કરે છે-

મેં નક્કી કર્યું હતું કે આ બધી ધાંધલ-ધમાલ એક દિવસ છોડી દેવી એ યોગ્ય છે.  એકલતાનો એક પ્રોગ્રામ પાકો ગોઠવાઈ જાય ત્યારે તેની અખંડ સંપુર્ણતાને વચ્ચે વચ્ચે તોડવા કોઈ રીતે ઈચ્છા થાય નહીં, કારણ કે એક વાર એક દિવસ જેટલુંય તુટી જાય તો ફરી તેનું સુત્ર જોડવાનું કઠીન બની જાય છે. આરંભના થોડા દિવસો મન જ્યારે નવા માળામાં પોતાનું સ્થાન બરાબર કરી લઈ શકે નહીં, એટલે કે મન ઉડું ઉડું કરતું રહે ત્યારે મિત્રોનો સંગ સહ્ય બને છે. હમણાં મેં મારા કામકાજની ફુરસદને કલ્પનાથી ભરી દીધી છે.    -તે સ્થળે એકાએક કોઈ આવી ચઢે તો બહુ ગોલમાલ થઈ જાય. કલ્પના-વસ્તુ હરિણીના જેવી ભીરુ સ્વભાવની હોય છે. પહેલાં તેને પંપાળીને પોતાની કરી લેવામાં થોડો સમય જાય છે; ત્યાર પછી ફરી જો તેના વિહરવાના સ્થાને કોઈ માણસ આવીને ઉભો રહે તો પછી થોડા સમય પુરતું ફરી તેનું દર્શન પામવાનું દુર્લભ બની જાય છે. તે માટે મારા આ એકલતાના રાજ્યમાં મારા શરીર કરતાં મન ઘણી વધારે જગ્યાનો અધિકાર લઈ લે છે, ત્યાં એવું બને કે એવા લોકો આવે જે મારી કલ્પના કરતાંય પ્રિય હોય, અને એવું ના બને કે એવા લોકો આવે જેના પ્રત્યે મારા મનનું અનુસંધાન કરવાનું તલમાત્ર જરુરી ના હોય.

મારી આ નાનકડી એકલતા મારા મનના work shop જેવી છે. તેના જુદાં જુદાં નહીં દેખાતાં યંત્ર-તંત્ર અને પૂરાં-અધૂરાં કાર્યો ચારે દિશામાં વેરાયેલાં રહે છે. -કોઈ મિત્ર જ્યારે આવે છે ત્યારે તે બધાં તેમની નજરે પડતાં નથી. -ક્યારે ક્યાં પગ મુકે તે નક્કી નથી. અજ્ઞાનપણે હસતાં ચહેરે જગતભરના સમાચારની ચર્ચા કરતાં કરતાં મારી ફુરસદના તંતુએ ચડેલાં અનેક સંશોધનનાં સૂત્રો પટ્ પટ્ કરતાં તૂટતાં રહે છે. જ્યારે તેમને સ્ટેશને પહોંચાડી દઈ વળી પાછો એકલો મારી કર્મશાળામાં પાછો આવું ત્યારે જોઈ શકું છું કે મને કેટલું નુકસાન થયું છે. હું બરાબર કઈ રીતે મારા જીવનની રચના કરું છું તે બીજા લોકો કેવી રીતે સમજવાના ! જ્યારે બીજા લોકોની સાથે એક સાથે નિવાસ કરવામાં આવે ત્યારે એકબીજા એકબીજાની રચના કરતા રહે છે- તે વખતે એકબીજાને માટે જરૂરી જગ્યા રાખી દઉં છું, એટલે સુધી કે પોતા માટે તદ્દન થોડી જ જગ્યા બાકી રહે છે. પરંતુ સંપૂર્ણપણે એકલો જ રહું છું- ત્યારે મારો સંપૂર્ણ ‘હું’ કોઈનાય માટે કશોય માર્જિન ના રાખી, પૂર્ણપણે પોતાની જ રચનાનો વિસ્તાર કરતો રહે છે; ઘણીબધી સૂક્ષ્મ સુકુમાર બાબતો નિર્ભયતાથી ચારે દિશામાં બિછાવી દે છે –તે બધાંને લીધે મોટી આપત્તિ થાય છે!….. ઘણી વાતો, ઘણાં કાર્યો, ઘણી ચર્ચા-વિચારણા હોય છે જે બીજાને માટે સામાન્ય હોય છે અને જનતામાં સ્વાભાવિક હોય છે, પણ મારા એકાકી જીવન માટે બહુ આઘાતજનક હોય છે. કારણ કે, એકલતામાં આપણા બધા છૂપા અંશો, ઊંડા અંશો, બહાર નીકળી આવે છે. પરિણામે એ સમયે માનવી ઘણો બધો પોતાના જ જેવો હોય છે તે અવસ્થામાં તે લોકસંગને અનુપયોગી થઈ પડે છે.

(બુધ્ધિપ્રકાશમાંથી સાભાર)

સર્જકના મનન, ચિંતન અને સર્જનની પળોનું આ વર્ણન ખુબ ગમ્યું તેથી મુક્યું છે.
આશા છે કે મિત્રોને ગમશે.

Comments (3)