વિચાર-11

ધર્માચાર્યોનું એક જૂથ મળીને બેઠું હતું અને સ્મશાનયાત્રામાં કેવી રીતે ભાગ લેવો તેની ચર્ચા કરતું હતું. તેમનામાના એકે સવાલ કર્યો, “સ્મશાનયાત્રામાં ચાલતી વેળા નનામીની ડાબી બાજુ ચાલવું જોઈએ કે જમણી બાજુ ? ” બે બાજુના મતો પડ્યા. તેઓમાના અડધા કહે કે અમે તો જમણી બાજુ ચાલવામાં માનીએ છીએ તો બીજા અડધા કહે કે અમે ડાબી બાજુ ચાલવામાં માનીએ છીએ. આ મામલાની ચર્ચા લાંબા સમય સુધી ચાલી. છેવટે આ બાબતનો કોઈ નિવેડો ન આવતા તેઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને તેમનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. મુલ્લાએ ધ્યાનપૂર્વક બધું સાંભળ્યું, ઘણો વિચાર કરીને કહ્યું- “નનામીમાં જો તમે નથી તો આ બાબતનું શું મહત્વ છે ? ”

મુલ્લાનો જવાબ રમૂજ પ્રેરે તેવો તો છે જ. કોયડા જેવો પણ છે. ઉકેલ માગવા આવેલાઓએ શું વિચાર્યું હશે કોને ખબર ! નનામીમાં પોઢેલાને કોઈ તેની ડાબે કે જમણે ચાલે તેની શું અસર થવાની ?

વિચારવાનું એ છે કે જે બાબતમાં ગંભીરતાથી વિચારવાનું છે ત્યાં માણસો કેવા નિરર્થક પ્રશ્નો વચ્ચે લાવી ખોટી ચર્ચાઓ જગવે છે બલ્કે ગજવે છે !

સામાજિક જીવનમાં અને આધ્યાત્મિક ને ધાર્મિક બાબતોમાં આવા નિરર્થક લાગતા પ્રશ્નો ચર્ચાતા રહે તો માનસિક તંદુરસ્તી ઉંચા સ્તરની ના ગણાય.

વર્ષા શાહ

Advertisements

Comments (6)

વિચાર- 10

‘एकांते सुखमास्यतां’

–કવિવર રવિન્દ્રનાથ ટાગોર એકાંતસેવન માટેનો એમનો વિચાર એક પત્રમાં વ્યક્ત કરે છે-

મેં નક્કી કર્યું હતું કે આ બધી ધાંધલ-ધમાલ એક દિવસ છોડી દેવી એ યોગ્ય છે.  એકલતાનો એક પ્રોગ્રામ પાકો ગોઠવાઈ જાય ત્યારે તેની અખંડ સંપુર્ણતાને વચ્ચે વચ્ચે તોડવા કોઈ રીતે ઈચ્છા થાય નહીં, કારણ કે એક વાર એક દિવસ જેટલુંય તુટી જાય તો ફરી તેનું સુત્ર જોડવાનું કઠીન બની જાય છે. આરંભના થોડા દિવસો મન જ્યારે નવા માળામાં પોતાનું સ્થાન બરાબર કરી લઈ શકે નહીં, એટલે કે મન ઉડું ઉડું કરતું રહે ત્યારે મિત્રોનો સંગ સહ્ય બને છે. હમણાં મેં મારા કામકાજની ફુરસદને કલ્પનાથી ભરી દીધી છે.    -તે સ્થળે એકાએક કોઈ આવી ચઢે તો બહુ ગોલમાલ થઈ જાય. કલ્પના-વસ્તુ હરિણીના જેવી ભીરુ સ્વભાવની હોય છે. પહેલાં તેને પંપાળીને પોતાની કરી લેવામાં થોડો સમય જાય છે; ત્યાર પછી ફરી જો તેના વિહરવાના સ્થાને કોઈ માણસ આવીને ઉભો રહે તો પછી થોડા સમય પુરતું ફરી તેનું દર્શન પામવાનું દુર્લભ બની જાય છે. તે માટે મારા આ એકલતાના રાજ્યમાં મારા શરીર કરતાં મન ઘણી વધારે જગ્યાનો અધિકાર લઈ લે છે, ત્યાં એવું બને કે એવા લોકો આવે જે મારી કલ્પના કરતાંય પ્રિય હોય, અને એવું ના બને કે એવા લોકો આવે જેના પ્રત્યે મારા મનનું અનુસંધાન કરવાનું તલમાત્ર જરુરી ના હોય.

મારી આ નાનકડી એકલતા મારા મનના work shop જેવી છે. તેના જુદાં જુદાં નહીં દેખાતાં યંત્ર-તંત્ર અને પૂરાં-અધૂરાં કાર્યો ચારે દિશામાં વેરાયેલાં રહે છે. -કોઈ મિત્ર જ્યારે આવે છે ત્યારે તે બધાં તેમની નજરે પડતાં નથી. -ક્યારે ક્યાં પગ મુકે તે નક્કી નથી. અજ્ઞાનપણે હસતાં ચહેરે જગતભરના સમાચારની ચર્ચા કરતાં કરતાં મારી ફુરસદના તંતુએ ચડેલાં અનેક સંશોધનનાં સૂત્રો પટ્ પટ્ કરતાં તૂટતાં રહે છે. જ્યારે તેમને સ્ટેશને પહોંચાડી દઈ વળી પાછો એકલો મારી કર્મશાળામાં પાછો આવું ત્યારે જોઈ શકું છું કે મને કેટલું નુકસાન થયું છે. હું બરાબર કઈ રીતે મારા જીવનની રચના કરું છું તે બીજા લોકો કેવી રીતે સમજવાના ! જ્યારે બીજા લોકોની સાથે એક સાથે નિવાસ કરવામાં આવે ત્યારે એકબીજા એકબીજાની રચના કરતા રહે છે- તે વખતે એકબીજાને માટે જરૂરી જગ્યા રાખી દઉં છું, એટલે સુધી કે પોતા માટે તદ્દન થોડી જ જગ્યા બાકી રહે છે. પરંતુ સંપૂર્ણપણે એકલો જ રહું છું- ત્યારે મારો સંપૂર્ણ ‘હું’ કોઈનાય માટે કશોય માર્જિન ના રાખી, પૂર્ણપણે પોતાની જ રચનાનો વિસ્તાર કરતો રહે છે; ઘણીબધી સૂક્ષ્મ સુકુમાર બાબતો નિર્ભયતાથી ચારે દિશામાં બિછાવી દે છે –તે બધાંને લીધે મોટી આપત્તિ થાય છે!….. ઘણી વાતો, ઘણાં કાર્યો, ઘણી ચર્ચા-વિચારણા હોય છે જે બીજાને માટે સામાન્ય હોય છે અને જનતામાં સ્વાભાવિક હોય છે, પણ મારા એકાકી જીવન માટે બહુ આઘાતજનક હોય છે. કારણ કે, એકલતામાં આપણા બધા છૂપા અંશો, ઊંડા અંશો, બહાર નીકળી આવે છે. પરિણામે એ સમયે માનવી ઘણો બધો પોતાના જ જેવો હોય છે તે અવસ્થામાં તે લોકસંગને અનુપયોગી થઈ પડે છે.

(બુધ્ધિપ્રકાશમાંથી સાભાર)

સર્જકના મનન, ચિંતન અને સર્જનની પળોનું આ વર્ણન ખુબ ગમ્યું તેથી મુક્યું છે.
આશા છે કે મિત્રોને ગમશે.

Comments (3)

વિચાર- 9

આજે એક રમુજી વાર્તા માણીશું.

એક માણસે એક પ્રશિક્ષક પાસેથી એક તાલીમ પામેલો ગધેડો ખરીદ્યો. પ્રશિક્ષકે કહ્યું- ગધેડાને અગળ જવાનું કહેવું હોય તો એક જ શબ્દ બોલવાનો- ‘હલ્લેલુજાહ’ અને એને ઉભો રાખવો હોય તો બોલવાનું- ‘આમીન’.

ખરીદનાર માણસ તો પોતાની ખરીદી પર ખુશ થઈ ગયો. પ્રશિક્ષકની સુચનાને અજમાવી જોવાની એને ઈચ્છા થઈ. ‘હલ્લેલુજાહ’ એણે બૂમ પાડી અને ગધેડો તો ખદડુક ખદડુક કરતો ચાલવા માંડ્યો. ‘આમીન’ એ બરાડ્યો અને લ્યો ! ગધેડો તો તરત જ ઉભો રહી ગયો. માણસે વિચાર્યું- આ તો મઝાનુ ! એ તો પોતાની ખરીદી પર ગર્વ કરતો ગધેડા પર સવાર થઈને ‘હલ્લેલુજાહ’ બોલતોક ને ચાલતો થયો.

પર્વતોની હારમાળાઓ વચ્ચેની લાંબી મુસાફરી હતી. સવારી એક ખીણની નજીક જઈ રહી હતી. ગધેડાને રોકવાનો સમય આવી રહ્યો હતો, પણ ઓહ ! રોકવા માટેનો શબ્દ તો એ સદંતર ભુલી ગયો હતો. અરે ! ઉભો રહે, ઉભો રહે, થોભ જરા, રોકાઈ જા. એણે ગધેડાને વિવિધ સુચનાઓ આપી. ગધેડાએ રોકાવાની વાત તો ક્યાં ઉલટી ઝડપ વધારી દીધી. એ તો ખીણની ધારની વધારે ને વધારે નજીક જવા લાગ્યો. ઓહ ! ના, ના ઓ વહાલા પ્રભુ ! ઓ ભગવાન ! ઓ ઈસુ ! મહેરબાની કરીને પર્વતનો છેડો આવે તે પહેલા આને રોકો ! માણસે નિરાધાર થઈ પ્રાર્થના કરી અને બુમ પાડી- ઈસુના નામ પર ‘આમીન !’ અને ગધેડો એક્દમ અટકી ગયો. ખડકની ધાર પર પહોંચવામાં ફક્ત એક જ પગલું બાકી હતું. અને તેણે બૂમ પાડી- હલ્લેલુજાહ…….

આપ સૌને આ વાર્તા વાંચીને શું વિચાર આવ્યો જણાવશો તો ખુબ આનંદ થશે.

વર્ષા શાહ

Comments (8)

વિચાર- 8

ઘરઆંગણાનું ચોમાસું-

વર્ષાકાળ તો બધે જ રમ્ય લાગે છતાં પોતાના પ્રદેશ પરત્વેનું મમત્વ ઘરઆંગણાના ચોમાસાને માણવાની ઝંખના જગાડે છે. ઘરઆંગણા પર પ્રેમ ધરાવનારા લોકો  માટે જગન્નાથ પંડિત ‘પીયૂષ-લહરી’માં  “નરાન્મૂઢાંસ્તત્તજનપદસમાસક્તમનસો”- ‘પોતપોતાના પ્રદેશમાં આસક્ત મનવાળા’ આવો શબ્દ પ્રયોગ કરે છે.

‘મારું તે સારું’ અહીં પ્રેમ અને સંતોષથી આ વિચાર આવે છે. નહીં તો મારું તે સારું (બીજાનું નહી આ અર્થમાં) બોલવામાં અહંકાર લાગે.

એવો જ વિરોધાભાસ ‘સારું તે મારું’ આ વાક્યમાં પણ છે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિમાં જે કાંઈ સારું દેખાય તે મારું થવું જોઈએ, આ સ્વાર્થી વિચાર છે પણ આધ્યાત્મિક ઉન્નતિમાં અને ગુણોની પ્રાપ્તિમાં ‘સારું તે મારું’ આ વિચાર આત્મવિકાસ જરુર કરી આપે.

વર્ષાકાળની વાત કરતા કરતા આ વિચાર મનમાં આવ્યા. અત્યારે આકાશ ગોરંભાયેલું છે. સતત વીજગર્જનાઓ સાથે જળધારાઓ થઈ રહી છે. આ વાતાવરણમાં વાલ્મીકિ રામાયણમાં વાલ્મીકિએ પ્રસ્રવણગિરિ પરની ગુફામાં વર્ષાકાળ દરમ્યાન વસેલા શ્રીરામના મુખમાં વર્ષાઋતુનું વર્ણન મુક્યું છે,  વાંચી ને રોમાંચિત થઈ જવાય એવું સુંદર વર્ણન છે. તેનું ભાષાંતર માણીએ-

શ્રીરામ લક્ષ્મણજીને કહે છે हे सुमित्रानंदन ! अब यह जलकी प्राप्ति करानेवाला वह प्रसिध्ध वर्षाकाल आ गया । देखो, पर्वतके समान प्रतीत होनेवाले मेघोंसे आकाशमंडल आच्छन्न हो गया है!

यह आकाशस्वरुपा तरुणी सुर्यकी किरणों द्वारा समुद्रोंका रस पीकर कार्तिक आदि नौ मासों तक धारण किये हुए गर्भके रुपमें जलरुपी रसायनको जन्म दे रही है ।

ईस समय मेघरुपी सोपानपंक्तियों द्वारा आकाशमें चढकर गिरिमल्लिका और अर्जुनपुष्पकी मालाओंसे सुर्यदेवको अलंकृत करना सरल सा हो गया है !

मेघके उदरसे निकली, कपूरकी डलीके समान ठंडी तथा केवडेके समान सुगंधसे भरी हुई ईस बरसाती वायुको मानो अंजलियोंमें भरकर पीया जा सकता है ।

मेघरुपी काले मृगचर्म तथा वर्षाकी धारारुपयग्नोपवित धारण किये वायुसे पूरित गुफावाले ये पर्वत ब्रह्मचारियोंकी भांति मानो वेदाध्ययन आरम्भ कर रहे हैं ।

ये बिजलियाँ सोनेके बने हुए कोडोंके समान जान पडती हैं । ईनकी मार खाकर मानो व्यथित हुआ आकाश अपने भीतर व्यक्त हुई मेघोंकी गम्भीर गर्जनाके रुपमें आर्तनाद सा कर रहा है ।

धरतीकी धुल शांत हो गयी । अब वायुमे शीतलता आ गयी । गरमीके दोषोंका प्रसार बन्द हो गया । भुपालोंकी युध्धयात्रा रुक गयी और परदेशी मनुष्य अपने अपने देशको लौट रहे हैं ।

ईस समय पहाडी नदियाँ वर्षाके नूतन जलको वेगसे बहा रही हैं । वह जल सर्ज और कदम्बके फुलोंसे मिश्रित है, पर्वतके गेरु आदि धातुओंसे लालरंगका हो गया है । तथा मयूरोंकी केकाध्वनि उस जलके कलकलनादका अनुसरण कर रही है ।

देखो ! अपराह्णकालमें ईन वनोंकी  शोभा अधिक बढ जाती है। वर्षाके जलसे ईनमें हरीहरी घासें बढ गई हैं। झुंड के झुंड मोरोंने अपना नृत्योत्सव आरम्भ कर दिया है और मेघोंने ईनमें निरंतर जल बरसाया है।

गर्भ धारणके लिये मेघोंकी कामना रखकर आकाशमे उडती हुई आनन्दमग्न बलाकाओंकी पंक्ति ऐसी जान पडती है मानो आकाशके गलेमें हवासे हिलती हुई श्वेत कमलोंकी सुन्दर माला लटक रही हो।

छोटे छोटे ईन्द्रगोप नामक कीडोंसे बीचबीचमें चित्रित हुई नूतन घाससे आच्छादित भूमि उस नारीके समान शोभा पाती है, जिसने अपने अंगोपर तोतेके समान रंगवाला कंबल ओढ रखा हो, जिसको बीचबीचमें महावरके रंगसे रंगकर विचित्र शोभासे सम्पन्न कर दिया गया हो।

आकाशसे गिरता हुआ मोतीके समान स्वच्छ एवं निर्मल जल पत्तोंके दोनोंमें संचित हुआ देख प्यासे पक्षी पपीहे हर्षसे भरकर देवराज ईन्द्रके दिये हुए उस जलको पीते हैं। वर्षासे भीग जानेके कारण उनकी पाँखे विविध रंगकी दिखाई देती हैं।

भ्रमररुप वीणाकी मधुर झंकार हो रही है। मेंढकोंकी आवाज कंठ-तालसी जान पडती है। मेघोंकी गर्जनाके रुपमें मृदंग बज रहे हैं। ईस प्रकार वनोंमें संगीतोत्सवका आरंभसा हो रहा है।

आकाशमें लटके हुए ये मेघ अपनी गर्जनासे समुद्रके कोलाहलको तिरस्कृत करके अपने जलके महान प्रवाहसे नदी, तालाब, सरोवर, बावली तथा समुची पृथ्वीको आप्लावित कर रहे हैं।

बडे वेगसे वर्षा हो रही है, जोरोंकी हवा चल रही है और नदियाँ अपने कगारोंको काटकर अत्यंत तीव्र गतिसे जल बहा रही हैं। उन्होंने मार्ग रोक दिये हैं।

जैसे मनुष्य जलके कलशोंसे नरेशोंका अभिषेक करते हैं उसी प्रकार ईन्द्रके दिये और वायुदेवके द्वारा लाये गये मेघरुपी जल-कलशोंसे जिनक अभिषेक हो रहा है, वे पर्वतराज अपने निर्मल रुप तथा शोभा सम्पत्तिका दर्शन-सा करा रहे हैं।

રામકાળનું વર્ષાઋતુનું વર્ણન આપણે જોયું જો કે બધા જ શ્લોક નથી મૂક્યા. અદભુત ઉપમાઓ જેમાં હતી તેવું પ્રકૃતિવર્ણન જ મૂક્યું છે. તે કાળનુ ભારત જેને આર્યાવર્ત કહેવાતું તે કેટલું હર્યુંભર્યું હશે ! રામે આ પ્રકૃતિવર્ણન સાથે પોતાની વિરહવ્યથા પણ વર્ણવી છે. પણ તે વર્ણન અહીં નથી મૂક્યું.

Comments (8)

વિચાર- 7

(‘જગને ઝરૂખે’ પર આગળનો વિચાર મૂકતાં પહેલાં હું એ સહુ મિત્રોનો આભાર માની લઉં જેમણે મારા વિચારો વાંચી, પ્રતિભાવ અને તે પણ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યા છે.)

આજે ફરી એક વાર્તા સાથે વિચાર જોઈશું.
એક ખેડુતની દીકરી આસપાસના ગામોમાં તેમના ગ્રાહકોને દૂધ આપવા જતી. તેમના ગ્રાહકોમાં એક સાધુનો પણ સમાવેશ થતો હતો. એના રહેઠાણ તરફ જતાં આ છોકરીને એક મોટો વહેળો પસાર કરવાનો થતો. વહેળામાં સારું એવું પાણી રહેતું, લોકો એ વહેળાને પાર કરવા એક ભાડાના તરાપાનો ઉપયોગ કરતા. એક દિવસ છોકરીને દૂધ લાવતાં મોડુ થઈ ગયું. સાધુ દૂધનો ઉપયોગ દેવપૂજામાં કરતા હતા. દૂધ મોડું આવતાં એમને પૂજાનું પણ મોડું થયું. તેથી નારાજ થઈને એમણે છોકરીને ઠપકો આપ્યો. છોકરી કહે, “હું તો મારે ઘેરથી વહેલી જ નીકળી હતી પણ તરાપાવાળાએ આવવામાં બહુ મોડું કર્યું, એની રાહ જોવામાં મને મોડું થયું.” સાધુએ મજાક કરતાં કહ્યું, “અરે! લોકો તો રામનામ લેતાં લેતાં સમુદ્ર ઓળંગી જાય છે અને તું એક ઝરણું પાર કરી શકતી નથી ?” છોકરી ગંભીર થઈ ગઈ.

આ પછી છોકરી ક્યારેય મોડી પડતી ન હતી. દરરોજ સવારે એ સમયસર આવી જ જતી. સાધુને આ વાતથી જિજ્ઞાસા થઈ, તેમણે છોકરીને તે રોજ સમયસર કેવી રીતે આવી શકે છે તે પૂછતાં તેણે કહ્યું, “હું  ભગવાનનું  નામ લેતાં લેતાં ઝરણા ઉપરથી ચાલી આવું  છું.”
સાધુને તેના કહેવા પર વિશ્વાસ ન બેઠો. તેણે પૂછ્યું, “તું પગે ચાલીને નદી કેવી રીતે પાર કરે છે તે મને બતાવીશ ?’’ બન્ને જણ કિનારા પર ગયા, છોકરીએ તો પાણી પર ચાલવાનું શરૂ કરી દીધું, એણે પાછળ ફરીને જોયું તો સાધુ મહારાજે તેની પાછળ આવવાનુ શરૂ તો કર્યું પણ તેમના પગ તો પાણીમાં ગરકાવ થઈ સખળડખળ થવા લાગ્યા હતા. “મહારાજ!” છોકરીએ બૂમ પાડી, “તમે મોઢેથી રામનામનાં જાપ તો કરો છો પણ તમે તમારાં કપડાં તો ભીનાં થવાની બીકે ઉંચા પકડી રાખ્યાં છે, આ તો પ્રભુ પ્રત્યે અવિશ્વાસ કહેવાય !’’

આ સાથે મોહમ્મદ પયગમ્બર સાહેબનું એક વાક્ય આ વાર્તાના સંદર્ભમાં ટાંકુ છું. જે તેમણે શબ્બાનની મધ્યરાત્રિના સંદેશમાં કહ્યું છે, “જે વ્યક્તિના હૃદયમાં પ્રભુ માટે એક રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હશે તે ક્યારેય નર્કમાં નહીં જાય. સૂર્યાસ્ત પછી શરૂ થતી શબ્બાનની આ રાત્રિ પ્રાર્થનામાં અને દિવસ ઉપવાસમાં તમે વીતાવો, કારણ પ્રભુ આ સમય દરમ્યાન સૌથી નજીકના સ્વર્ગમાં અવરોહણ કરે છે (નીચે આવે છે).

પ્રભુનું અવરોહણ સાક્ષાત સ્વરૂપે ભલે ન દેખાતું હોય પણ જ્યારે જ્યારે કોઈ સદવૃત્તિનો આવિર્ભાવ થાય ત્યારે અને સર્જનની પળોમાં પછી તે કોઈ પણ માધ્યમમાં આવિષ્કાર પામે ત્યારે અનુભવી શકાતું હોય છે. કવિઓ અને કલાકારોને અને શ્રધ્ધાળુ હૃદયોને આ અનુભૂતિ હાથવગી હોય છે. પછી તે રાત્રિ કે દિવસ પવિત્ર જ બની જાય છે.

કવિ શ્રી લક્ષ્મણ દુબેની હિન્દી ગઝલના શ્રી કાસમ પટેલ દ્વારા અનુવાદિત શેર જોઈએ
(‘કોઈ ઘરમાં શોધે ઘર’માંથી સાભાર)

ખુદ ઉપર કાબૂ નથી એ સત્ય છે,
તે છતાં તારો જ હિસ્સેદાર છું

તું  ભલા શોધક કે સર્જક છો કહે !
હું તારું સર્જન કે આવિષ્કાર છું ?

તું જ જીવન_પર્વમાં લાવ્યો મને,
હું જ તારો દેહમય આભાર છું.

Comments (5)

વિચાર- 6

માણસનું મન બે ભાગમાં વહેંચાયેલું છે- જાગૃત અને અજાગૃત. આ અજાગૃત મન વ્યક્તિની જાણ બહાર કેટલીક વાતો નોંધતું હોય છે. રસપ્રતિમા, ગંધપ્રતિમા, શબ્દપ્રતિમા, રૂપપ્રતિમા, સ્પર્શપ્રતિમા આ બધી પ્રતિમાઓ રૂપે સ્મ્રુતિઓ ક્યારે મનમાં સંગ્રહાય છે તે પણ ખબર નથી પડતી. કોઈ સભાન પ્રયત્ન વગર આ બધું થાય છે. વિચાર પ્રક્રિયામાં જાગૃતિ રહે તો આ વાત ઉડી ને આંખે વળગે છે. મારો અનુભવ કહું તો ચોમાસામાં જ્યારે જ્યારે ખીલેલી જૂઈની મ્હેંક આવે છે ત્યારે ત્યારે મને પાલીતાણાનો ડુંગર યાદ આવે છે. 60 થી 70ના દાયકામાં દરેક વર્ષે જેઠ મહિનામાં મારા જૈન કાકા-કાકી સાથે પાલીતાણા જવાનું થતું. લગભગ પાંચમા ધોરણથી કોલેજકાળ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પણ પછી 1971 પછી એક પણ વાર હું ત્યાં ગઈ નથી. એટલે તે સમયનું પાલીતાણા અને શેત્રુંજય ડુંગર મારી સ્મૃતિમાં સચવાયેલા રહ્યાં છે. જ્યારે જ્યારે જેઠ મહિનાનું છેલ્લું અઠવાડિયું હોય અને મોસમનો પહેલો વરસાદ પડે ત્યારે મને પાલીતાણા યાદ આવે છે અને ત્યા જવાનું મન થઈ જાય છે પણ અત્યારે જે ઝડપથી  નાનામોટાં ગામો, શહેરો, તીર્થસ્થાનો બદલાઈ રહ્યાં છે તે જોતાં મને ડર લાગે છે કે મારી સ્મૃતિમાં સચવાયેલું રળિયામણું પાલીતાણા હવે જોવા નહીં મળે. તે વખતે અમે ટ્રેન દ્વારા જતાં, સિહોરથી ગાડી બદલવાની રહેતી. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી સિહોર સુધીની યાત્રા રાતના સમયની રહેતી. વહેલી સવારે સિહોર પહોંચ્યા પછી સૌરાષ્ટ્રનો પ્રદેશ અજવાળુ થયું હોય તેથી જોવા મળતો.પાલીતાણા સવારે દસથી અગિયારની વચ્ચે આવતું. સ્ટેશનથી ગામ સુધી ઘોડાગાડીમા જતાં. પાંખી અવરજવર અને પહોળો રોડ આજુબાજુ જે નજરે ચડતું તે પણ ગમી જાય તેવું હતું. ઉતરવાની જગ્યા હંમેશા એક જ રહેતી ‘આરિસા ભુવન’.નામની ધર્મશાળા. આરસથી મઢેલું અને અરિસા જેવુ સ્વચ્છ એ ભુવન દર વર્ષે ત્યાં કંઈક ને કંઈક નવું બાંધકામ ઉમેરાતું રહેતું. પણ એ ધર્મશાળાનું આકર્ષણ એક તો એટલે હતું કે શત્રુંજયની તળેટી જવાના રસ્તે આવતી એ છેલ્લી ધર્મશાળા હતી. ત્યાંથી તળેટી સુધી જતાં રસ્તામાં એક સ્કૂલ અને એક દેરાસર જ વચ્ચે આવતા. બાકી ખુલ્લો રસ્તો જ હતો. તેથી ઘોડાગાડીમાં તળેટી જવાની પણ મઝા આવતી અને ડુંગરની નજીક આરિસા ભુવન હોવાને કારણે ત્યાં સતત મોરના ટહુકાઓ સંભળાતા એ સાંભળીને તો ડુંગર પર દોડી જવાનું મન થતું.

તળેટીના દેરાસરમાં દર્શન કરીને પછી જ ઉપર ચઢાય. એવો વણલખ્યો નિયમ યાત્રાળુઓ પાળે છે. તળેટીના એ દેરાસરથી શિલ્પસૌંદર્ય અને પવિત્રતાનો પ્રાકૃતિક સૌંદર્ય સાથેનો એ સુમેળ અદભુત લાગતો. જેઠ મહિનામાં ત્યાં યાત્રાળુઓની સંખ્યા ઓછી રહેતી કારણ કે શાળાઓનું વેકેશન પુરું થઈ ગયું હોય અને જેઠ મહિના પછી ડુંગરની યાત્રા બંધ થતી હોય છે, જૈન ધર્મમાં અહિંસાનું સુક્ષ્મ રીતે પાલન થાય છે ચોમાસામાં ઉત્પન્ન થતા સુક્ષ્મ જીવોની પગથી હિંસા ન થાય તેથી આ નિયમ છે. અમે જતા ત્યારે વાદળો ઘેરાવાની શરૂઆત થઈ હોય, ડુંગર ચઢતાં હોઈએ ત્યારે વાદળોની આરપાર જતા કેટલી મઝા આવતી ! થોડી ઉંચાઈ સુધી જતાં તો ઘરો ને ખેતરો, ગામો દેખાતાં પણ પછી આજુબાજુ ઉંચાનીચા ડુંગરોથી ફેલાયેલો વિશાળપ્રદેશ અને વિશાળ આકાશ જ દેખાય આપણી આજુબાજુ કોઈની હાજરી પણ ન હોય, વરસાદ પણ ત્યારે લગભગ પડતો જ. ડુંગરના ભીના પગથિયાં અને ભીના રસ્તા પર રમણીય એકાંત અને અનંતતાના એ પ્રદેશમાં એકાકાર થવાનો એ આનંદ અભૂતપુર્વ રહ્યો છે. બીજા દેશોમાં પ્રાકૃતિક સૌંદર્ય આપણા દેશ કરતાં વધારે હશે પણ આપણે ત્યાં તીર્થસ્થાનો પ્રાકૃતિક સૌંદર્ય જોડે જોડાયેલાં છે. પવિત્રતા અને પ્રાકૃતિક સૌંદર્યનું આ જોડાણ આપણા પૂર્વજોએ આપણને આપેલી અનુપમ ભેટ છે. સામાન્ય માણસોને નાની નાની તીર્થયાત્રામાં આનંદ સાથે પ્રકૃતિમાંથી સકારાત્મક પ્રેરણા પણ મળે. ડુંગર પર અડધે પહોંચીએ એટલે હિંગળાજ માતાનું સ્થાનક આવે. તેને માટે એક જોડકણું મારા કાકા સંભળાવતા ‘હિંગળાજનો હડો (કદાચ અડ્ડો મૂળ શબ્દ હશે) કેડે હાથ દઈ ચડો’ ઉપર પહોંચ્યા પછી દેરાસરોના સંકુલનો દરવાજો વટાવતા પહેલાં એક નવયુવાનનો પાળિયો આવે છે. ઘણાં વર્ષો પહેલાં એક વાઘના ત્રાસના લીધે ડુંગરની યાત્રા બંધ થઈ ગઈ હતી. તીર્થોના રહેવાસીઓની રોજી યાત્રાળુઓ ઉપર જ આધારિત હોય. એટલે ગામના લોકોને માટે પણ મુશ્કેલી ઉભી થઈ. આદમખોર થઈ ગયેલા વાઘની સામે બાથ ભીડવાની કોઈની હિંમત ન હતી. બેકાર હોવાને કારણે આ યુવાનને ભાભીના મહેણાં સાંભળવા પડતા એક વખતે એની હિંમતને પડકારતું મહેણું મારતાં ભાભીએ વાઘને મારી બતાવવા કહ્યું અને એ યુવાન તો સાચેસાચ વાઘને મારવા દોડ્યો. જતાં જતાં તળેટીમાં લોકોને કહેતો ગયો કે વાઘને મારીને હું ઘંટ વગાડીશ ત્યારે તમે ઉપર આવજો. વાઘની સાથે બાથ ભીડી આ યુવાને જીવસટોસટની લડાઈ ખેલી વાઘને માર્યો, અને લોહીલુહાણ હાલતમાં એણે ઘંટ વગાડ્યો. તળેટીના લોકો દોડી આવ્યા. પણ આ યુવાનનું પ્રાણપંખેરું તો ઉડી ગયું હતું.  ચોથા ધોરણમાં આ પ્રસંગનો અમારા પાઠ્યપુસ્તકમાં પાઠ તરીકે સમાવેશ હતો. જો કે મારું બાળમાનસ આ પ્રસંગ વાંચીને દુઃખી થઈ ગયું કેમકે વાઘ તો મર્યો પણ પેલો યુવાન ન બચ્યો. મારું મન એ યુવાનને જીવતો જોવા અને એની ભાભી એની બહાદૂરીને વધાવે એવું જ સાંભળવા ઈચ્છતું હતું- ખેર ઈતિહાસને બદલવો શક્ય નથી. પણ ઈતિહાસને બદલવાની કલ્પનાના વિચારો પરથી ફિલ્મો બની છે. મૂળ વાત પર આવતા કહું તો આ યુવાનની ખાંભીએ મસ્તક નમાવીને આગળ જવાનું. સંકુલમાં પહોંચ્યા પછી ત્યાં સ્નાન માટેની સગવડ હોય છે ત્યાં સ્નાન કરીને આદિશ્વર ભગવાનની સેવા કરી શકાય છે. એ સેવા માટે ત્યાં જૂઈ, મોગરા, ગુલાબ.વગેરે ફુલ મળે છે. બસ ! એ ફુલોની સુગંધ આજ સુધી સ્મૃતિમાં સચવાઈ રહી છે. તેથી જ્યારે, જ્યારે જૂઈની સુગંધ આવે છે ત્યારે ત્યારે મને પાલીતાણાની બધી સ્મૃતિ તાજી થઈ આવે છે. ‘જગને ઝરુખે’ ના આરંભમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવ અને તેના પ્રતિભાવની જે વાત વિચારી તેના અનુસંધાનમાં આ અનુભૂતિનુ વર્ણન કર્યું. બીજી સ્મૃતિ વિષે પણ આગળ ઊપર વાત કરીશું.
વર્ષા શાહ

Comments (11)

વિચાર- 5

(‘જગને ઝરૂખે’ પર આગળનો વિચાર મૂકતાં પહેલાં હું એ સહુ મિત્રોનો આભાર માની લઉં જેમણે મારા વિચારો વાંચી, પ્રતિભાવ અને તે પણ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યા છે.)

ઘણા વર્ષો પહેલાં ઓટોમાન સામ્રાજ્યના એક સુલતાન એક ઈસ્તંબૂલના એક શેખ પાસે ગયા જેઓ પોતાના ડહાપણ અને પ્રામાણિકતા માટે વિખ્યાત હતા. સુલતાન શેખથી ખૂબ પ્રભાવિત થયા અને એમની સભામાં રોજ આવવા લાગ્યા. થોડા સમય પછી સુલતાને શેખને કહ્યું, “આપના માટે અને આપની શિક્ષાપધ્ધતિ માટે મને ખૂબ પ્રેમ છે. તેથી આપને જ્યારે પણ કશાયની જરૂર હોય તો મને તે જણાવશો. મારી સત્તાની અંતર્ગત એ જરૂરત હશે તો હું પુરી કરીશ.” આ એક સમર્થ સત્તાવાન અને અત્યંત સમૃધ્ધ વ્યક્તિ તરફથી મળેલો જાણે એક કોરો ચેક હતો. શેખે જવાબ આપ્યો, “હા, એક વસ્તુ છે જે તમે મારા માટે કરી શકો. તે એ કે તમે હવે અહીં ફરી આવશો નહીં.”  સુલતાન તો સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, “શું મારાથી કંઈ ખોટું થઈ ગયું છે ? એવું કંઈ હોય તો હું આપની માફી માંગુ છું.” શેખે જવાબ આપ્યો, “તમે તેનું કારણ નથી; કારણ છે મારા દરવેશ. તમે અહીં આવવાનુ શરૂ કર્યું તે પહેલાં તેઓ ફક્ત ભગવાનની કૃપા માટે જ પ્રાર્થના અને નામજપ કરતા હતા. હવે તેમના માનસ તમને ખુશ કરી, માનઅકરામ મેળવવાના વિચારોમાં જ રચ્યાપચ્યા રહે છે. હું તમને અહીં આવવાની મના કરું છું કારણ કે તમારી હાજરીથી નિર્લેપ રહી શકીએ એવી આધ્યાત્મિક પરિપકવતા હજુ અમારામાં આવી નથી.”

માણસ આખરે માણસ છે. ઈચ્છાઓથી પર થઈ જવાની સ્થિતિ ઈશ્વરકૃપાથી જ શક્ય છે પણ તે સ્થિતિએ પહોંચવા માટે પણ પાછી ઈચ્છા તો જોઈએ જ.

વર્ષા શાહ

આ સાથે મનોજ જોશી ‘મન’ની ગઝલના બે શેર-

ગજબની પલાંઠી લગાવીને બેઠો !
વિચારોની વચ્ચે તું આવીને બેઠો !

ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહીંયાં,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો !

Comments (6)

« Newer Posts · Older Posts »