Archive for ફેબ્રુવારી, 2011

વિચાર- 18

વિચાર 17 જોડે જોડવા જેવો એક પ્રસંગ શ્રીમતી સુધા મૂર્તિના એક પુસ્તક wise and otherwise માંથી ટાંકુ છું. તેમના દ્વારા ચાલતી Infosys foundationના તેઓ chairperson છે જે સેવાકાર્યો માટે દેશમાં અને ખાસ કરીને કર્ણાટકમાં જાણીતી સંસ્થા છે. સિધ્ધિ અને પ્રસિધ્ધિ, અને ખૂબ માન સન્માન પામેલાં આ મહિલાની લેખનશૈલી પણ તેમના વ્યક્તિત્વ જેવી સાદગીપૂર્ણ છે. તેઓએ ફાઉન્ડેશનના કાર્ય દરમ્યાન તેમને થયેલા વિવિધ અનુભવો ઉપરોક્ત પુસ્તકમાં ટાંક્યા છે.

ફાઉંડેશને એક રાજ્યમાં એક સરકારી હોસ્પિટલને એક પૂરક વિભાગની સગવડ ઉભી કરી આપી. આ નવા વિભાગની શરૂઆત હોસ્પિટલના વહીવટી તંત્રે એક ઉદઘાટનથી કરી. સુધાજી ઈચ્છતાં હતાં કે કાર્યક્રમ સવારે રખાય જેથી કદાચ મોડું થાય તો પણ તેઓ હાજરી આપીને દિવસે જ રવાના થઈ શકે જો સાંજે રાખવામાં આવે તો તેઓ માટે રાત્રે ડ્રાઈવ કરવાનું અનુકૂળ ન હતું. ઉદઘાટન માટે એક મંત્રીને બોલાવાયા હતા. તેમને સવારે આવવું ફાવે તેમ ન હતું, તેથી સમય સાંજનો જ રખાયો. મંચ, ખુરસીઓ, હારતોરા, ગુલદસ્તા, સન્માનવા અપાનારી શાલો, ફળોની શણગારેલી ટોપલીઓ બધું તૈયાર હતું. ખુબ ઠંડો પવન વાતો હતો છતાં લોકો ક્યારના ય ભેગા થઈ ગયા હતા. મંત્રીજી એક કલાક મોડા આવ્યા. લોકો તેમને આવકારવા દોડ્યા. કેટલાકે ચરણસ્પર્શ પણ કરી લીધા. કેટલાક પોતપોતાની માગણીની અરજીઓ લઈ દોડ્યા. જોતજોતામાં એક મીની દરબાર યોજાઈ ગયો. સમારંભ શરૂ થયો. સુધાજીને ખુણાની ખુરશી અપાઈ હતી. પછી ભાષણો શરૂ થયાં.
જેઓએ ભલી ભાવનાથી આ કાર્ય કર્યું તેઓ માટે તો એક શબ્દ પણ આ ભાષણોમાં ઉચ્ચારાયો નહીં. મંત્રીજી અને તેમની સરકારના ગુણગાન ગાવામાં આવ્યા. મંત્રીજીએ ઉદઘાટનવિધિ પતાવી પોતે લોકશાહીમાં કેટલો વિશ્વાસ ધરાવે છે અને તેઓ પ્રજાની કાળજી રાખવા કેટલા તત્પર છે તે કહ્યું. સુધાજી તરફ ફરીને તેમણે હોસ્પિટલની પંખા, પથારીઓ, કબાટો, પાટાપીંડી, પીવાનું પાણી વગેરે સુવિધાઓ પુરી કરવાનું સૂચન કર્યું.
સુધાજી ચુપચાપ સાંભળતા રહ્યા. પછી દાનવીરોને સન્માનવામાં આવ્યા. કાર્યક્રમ પૂરો થયો ને મંત્રીજી ઉતાવળે વિદાય થઈ ગયા. મંડપ ખાલી થઈ ગયો. મંડપની બહાર બધે અંધકાર ઉતરી આવ્યો હતો. સુધાજીની સામે ફક્ત નવું બધાયેલું મકાન ઉભું હતું. આ મકાન બનાવવામાં જેમણે દિલથી સહયોગ કર્યો હતો એવા આર્કિટેક્ટ, કારીગરો, ટ્રસ્ટીઓ અને બીજા ઘણા હતા જેઓને નામથી પણ યાદ કરવાનો કોઈએ વિચાર સરખો પણ કર્યો નહીં. આ બાબતથી ખિન્ન થયેલા આ મહિલા વિચારતા હતા કે આ લોકો આ ચેરીટેબલ સંસ્થાના પ્રતિનિધિ તરીકે કેટલેય દૂરથી આવેલી એક સ્ત્રીની કાળજી લેવાનો વિવેક પણ નથી દાખવતા અને જેણે પૈસા તો શું પણ બીજી કોઈ રીતે પણ આ હોસ્પિટલને મદદ કરી નથી, બિલ્ડિંગ બંધાતું હતું ત્યારે ય ક્યારેય ફરક્યા સુધ્ધાં નથી, અરે ! સમય સાચવવાની પણ દરકાર કરી નથી એવા આ હેલ્થ મિનિસ્ટરનું આટલું સન્માન થાય છે અને તેમનાં ગુણગાન ગવાય છે. અમે આવાં કામો મંત્રીઓ, રાજકારણીઓ, ધનિકો કે લોકમાનસમાં રાજ કરતા લોકોને સન્માનવા નથી કરતા પણ સામાન્ય સુવિધાઓ પણ જે પામી શકતા નથી તેવા લોકો માટે કરીએ છીએ.મારે એટલું જ વિચારવાનું છે. પણ તેમની આ ખિન્નતા, આ ઉદાસી ઝાઝી ના ટકી. ચીંથરેહાલ વસ્ત્રોમાં વીંટાયેલી એક સ્ત્રી તેમની સામે આવી અને બોલી, અમ્મા, મને કોકે કહ્યું કે તમારી કંપનીએ આ મકાન બનાવ્યું છે. તમે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અમારા જેવા કેટલાય લોકોને આવી મોટી હોસ્પિટલોમાં જગાના અભાવે સારવાર નથી મળતી. પણ તમે આ જનરલ રૂમ બાંધીને જગા અપાવી. સ્પેશિયલ રૂમ તો જેની પાસે સગવડ કે લાગવગ હોય તેને જ મળે. અમારા જેવા માટે તો આવો કોમન હોલ જ સારો. પછી જરા નજીક આવી તેણે કહ્યું અમ્મા, મારી પાસે તમને આપવા જેવું કાંઈ નથી. હું તો એક ગરીબ ફુલ વેચવાવાળી છું. તમારા માટે શાલ કે સાડી લાવવાનું મારું ગજું નથી પણ હું તમને આ જૂઈની વેણી ખુબ પ્રેમપૂર્વક આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા દેશમાં તમારા જેવા અનેક પરગજુ માણસોને જન્મ આપે. સુધાબહેન લખે છે કે આ જૂઈની વેણી મારા માટે શાલો અને સાડીઓ કરતાં અનેકગણી કિંમતી હતી.

સ્વાર્થ વગર સેવા કરવા ઈચ્છતા લોકોની સદભાવનાને પણ ક્યારેક ધક્કો વાગી જાય ત્યારે તેમની કાળજી લેવા, તેમની પીઠ થાબડવા ઈશ્વર કોઈ ને કોઈ રૂપ લઈને આવે છે એવું નથી લાગતું ?

વર્ષા શાહ

Advertisements

Comments (7)

વિચાર- 17

જગને ઝરુખેથી મિત્રોને યાદ.

બેંગલોરથી सम्भाषण सन्देश નામનું એક સંસ્કૃત માસિક પ્રકાશિત થાય છે. જેમા બાલબોધિની નામનો બાળવિભાગ પણ હોય છે. આ વિભાગમાં એક વાર્તા વાંચ્યા પછી જે સુઝ્યું તે લખું છું. આપ સૌ પણ પોતાનો વિચાર જણાવશો તો આનંદ થશે.

વાર્તાનું શીર્ષક છે- प्रतिमायां सजीवः देवः

વાર્તા આ પ્રમાણે છે…

શિવકુમાર દિલ્હીમાં એક કાર્યાલયમાં વીસેક વર્ષથી એક સામાન્ય કારકુન હતો. આ નોકરીમાં તે ક્યારેય બઢતી પામી શક્યો નહિ. તેને પોતાને તો તે વાતનો અસંતોષ હતો જ પણ તેની પત્નીને તો આ વાતથી ભારે અસંતોષ હતો. તે તો તેને પતિની નબળાઈ જ સમજતી હતી અને તેનો ઉપહાસ કરતી હતી. પરિસ્થિતિથી કંટાળેલા શિવકુમારે પોતાના એક હિતૈષી સહકાર્યકર પાસે જઈ તેની સલાહ માગી. એ વ્યક્તિએ કહ્યું, ‘બજારમાં જા અને રામની એક સુંદર મૂર્તિ લઈ આવ. ઘરમાં એક પરિશુધ્ધ જગા પર તેમની પ્રતિષ્ઠા કરી પૂજા કર. શ્રીરામની સમીપે અગરબત્ત્રી સળગાવી, ‘ઓમ શ્રીરામાય નમઃ’ એમ ભક્તિભાવપૂર્વક 1008 વાર જપતાં જપતાં ફુલ ચઢાવજે. છેલ્લે કર્પુરથી પ્રજ્વલિત કરેલી આરતી ઉતારજે. એક વર્ષ પછી શ્રીરામ કૃપા કરીને તને ઈચ્છિત આપશે.’   .

શિવકુમારે બીજા જ દિવસથી પૂજાનો આરંભ કરી દીધો. એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી એણે એકધારી પૂજા કરી પણ કોઈ ફળ મળ્યું નહી.

શિવકુમારે હવે બીજા સહયોગીને પોતાની સમસ્યા બતાવી.  બીજા સાથીએ કહ્યું, જો રામ તો બહુ પ્રાચીનકાળના હતા તેથી આજે તેઓ ના ચાલે. શ્રીકૃષ્ણ અર્વાચીન છે. એમ કર, તું રામની પ્રતિમાને ખસેડી શ્રીકૃષ્ણની પ્રતિમાની સ્થાપના કર અને તેની પૂજા કર. તને જલ્દી સફળતા મળશે . પોતાને ત્યાં રામની પ્રતિમાની બારીની બાજુમાં ઉંચી બેઠક પર શિવકુમારે

સ્થાપના કરી હતી. હવે તેણે તે પ્રતિમાને નીચે જમીન પર મૂકી અને તેની જગ્યાએ કૃષ્ણની પ્રતિમાનું સ્થાપન કર્યું. પછી તેણે અગરબત્તી સળગાવી પૂજા શરૂ કરી. તેવામાં તેનું ધ્યાન ગયું કે બારીમાંથી આવતા પવનને કારણે અગરબત્તીની ધુમ્રસેર જમીન પર મુકેલી રામની પ્રતિમા તરફ સુગંધ લઈ જતી હતી. જેમણે આજ સુધી કૃપા કરી નહીં એવા રામજી અગરબત્તીની સુગંધ માણે એ તેનાથી જરાય સહન થઈ શક્યું નહીં. તે અંદર જઈને રૂનાં બે પૂમડાં લઈ આવ્યો અને રામ સુગંધનું સેવન ના કરી શકે તે માટે તેમના નાકનાં કાણાંમાં ખોસી દીધા.

તે જ ક્ષણે સહાસ્ય સજીવમૂર્તિ એવા રામ તેની સામે પ્રગટ થયા.અને શિવકુમારને કહ્યું ‘વત્સ, વર માગ.’

‘ગયા પંદર મહિના મેં આપની પૂજા કરી પણ આપે દર્શન આપ્યાં નહીં, આજે મેં આપની પૂજા છોડી શ્રીકૃષ્ણનું પૂજન શરૂ કર્યું ત્યારે તમે દર્શન આપો છો, કેમ ! તમે ઈર્ષાવશ થઈ ગયા ને ? તેથી દર્શન આપવા આવ્યા ને ? … શિવકુમારે પૂછ્યું. રામ સહાસ્ય વદને બોલ્યા, ‘પ્રિય પુત્ર, આજ સુધી હું નિર્જીવ પ્રતિમા છું એવું તું માનતો હતો. આજે મારા નાકમાં પૂમડા ખોસી હું પણ તારા જેવો સજીવ પ્રજ્ઞાવાન છું એમ તેં જાણી લીધું, તેથી મેં તને દર્શન આપ્યા.’

વિચાર

વાર્તા તો ગમી જાય તેવી છે. વાર્તામાં રહેલો ચમત્કાર કદાચ ગળે ના પણ ઉતરે. પણ જીવાતા જીવનમાં કોઈ પણ પળે અંતઃકરણપૂર્વક અંતર્યામીનું સ્મરણ કરવામાં આવે તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય વિચારવાનો અભિગમ જરૂર બદલાય. રામ રામના રૂપે દરેક વખતે ન આવે પણ કોઈ ને કોઈ માધ્યમથી શ્રધ્ધાનો તંતુ મજબૂત જરૂર કરી જાય છે.
એટલે જ કહેવાયું છે.

लाभस्तेषाम् जयस्तेषाम् कुतस्तेषाम् पराजयः
येषाम् इन्दीवरश्यामो ह्रदयस्थो जनार्दनः

આ વિચારની પ્રતીતિ કરાવતો એક પ્રસંગ બીજા વિચારમાં જોઈશું.

Comments (7)